Saturday, January 23, 2016

પરિવર્તન

  • જેવું પરિવર્તન આપણે સમાજમાં ઇચ્છીએ છીએ તેવું પહેલા આપણે બનવું પડશે.
  • માણસ તેનું વલણ બદલીને પોતાનું ભવિષ્ય બદલી શકે છે.
  • પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કઈ પણ બદલવા અસમર્થ છે.
  • પરિવર્તન સંસારનો નિયમ છે, પ્રકૃતિ ની જીવંતતા ની ઓળખાણ છે પરિવર્તન. જેઓ પ્રકૃતિના પરિવર્તન સાથે તાલ મિલાવી શકતા નથી તેઓ લુપ્ત થતા જાય છે.
  • એક ના એક સુખથી પણ માણસ કંટાળી જાય છે. પરિવર્તન વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પરિવર્તન એટલે જ જીવન અને જેમાં પરિવર્તન શક્ય નથી એ જ મૃત્યુ.
  • જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે.
  • જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે ?
  • માણસમાત્રની પ્રકૃતિ છે કે તેઓ પરિવર્તનથી ડરે છે કારણકે આપણે આપણી આજુબાજુ આપણાજ જડ-વલણ, રૂઢી અને પરંપરાની દિવાલનું પાંજરું બનાવી દીધું હોય છે અને તેમાં આપણે આપણી જાતને સલામત માનતા હોઈએ છીએ. આપણે આ પાંજરાની બહાર શું થાય છે તેની પણ પરવા નથી કરતા અને આથી જ સ્વતંત્રતાનો સાચો અર્થ ભૂલી ગયા છીએ.
  • પરિવર્તન ત્યારે જ લાવી શકાય જયારે તેને અપનાવી લેવામાં આવે, તિરસ્કારથી કરવાથી મુક્તિ નહિ પરંતુ બળવો અને તેનાથી દમન થાય છે. આથી જેને બદલી શકાય છે તેને બદલવું જોઈએ, જેને અપનાવી શકાય તેને અપનાવવું જોઈએ અને જેને અપનાવી શકાય તેવું નથી તેનાથી જાતને દુર રાખવી જોઈએ.
  • એવું કહેવાય છે કે સમય બળવાન છે, સમય સાથે બધું બદલાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે આપણે બદલાઈ જઈએ છીએ અથવા આપણે જ તેને બદલવું પડે છે. 
  • અહી વિરોધાભાસ એ છે કે આપણે આપણી જાતને જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ ત્યાર બાદ જ પરિવર્તન લાવી શકીએ છીએ.
  • જયારે ફરજીયાત અપનાવવું પડે એ પહેલા જ પરિવર્તન લાવવું જોઈએ. આપણી પ્રકૃતિ છે કે આપણે સહન કરવાની હદ સુધી સહન કરીએ છીએ અને આખરે પરિવર્તનનો સ્વીકાર કરીએ છીએ.
  •  આપણને ગમે કે ન ગમે જીવનમાં નવું નવું બનતું જ રહેવાનું છે. પરિવર્તન આવતું જ રહેવાનું છે. પરિવર્તન એ ચેતન અને જડ બંને ઉપર અસર કરે છે. માનવીની પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા ઘટતી જાય તેમ તેનામાં જડ તત્ત્વ વધતું જાય છે. 'પાકા ઘડે કાંઠા ન ચડે' એ કહેવત એ અર્થમાં જ છે.
  • આપણે ત્યાં દાતણથી શરૂ થતો દિવસ હવે ટૂથ-બ્રશ અને ટૂથ-પેસ્ટથી શરૂ થાય છે. નાસ્તા કે જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ થાય છે. બૂફે ડિનર થાય છે. ઊભાં ઊભાં ખવાય? બૂટ, ચંપલ પહેરીને ખવાય? એવા પ્રશ્નો તો થતા જ, પરંતુ આ પરિવર્તનને કોઈ અટકાવી શક્યું નહીં અને એનો સ્વીકાર થયો..
  • નવી પેઢી આવે છે, જૂની પેઢી જાય છે. નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદો થતા જ આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે અને એનું એક કારણ ઝડપથી થતું પરિવર્તન છે.
  • કુદરતમાં પરિવર્તનની ક્રિયા સતત ચાલુ જ રહે છે. તેને અટકાવવાનું મનુષ્યનું ગજું નથી. તમે જેવા હો તેવા સ્થિર તો રહી શકવાના જ નથી. કુદરતની સાથે રહીને તમને મનગમતું પરિવર્તન તમે કરી શકો છો અથવા તો કુદરતના પરિવર્તનનો સ્વીકાર કરી શકો છો. રોજિંદા જીવનમાં મતભેદ અને તણાવ ઓછા કરવાનો એક જ રસ્તો છે. 
  • તમારાં સંતાનો એ માત્ર તમારાં સંતાનો નથી. (પરંતુ) તેઓ જીવનની ઝંખનાની અભિવ્યક્તિનાં પુત્ર-પુત્રીઓ છે. તેઓ તમારા દ્વારા જન્મ લે છે છતાં તેઓ તમારી પ્રતિકૃતિ નથી અને તમારી સાથે હોવા છતાં તેઓ તમારી માંહેનાં નથી.તમે તેઓને તમારો પ્રેમ આપી શકો, પરંતુ તમારા વિચારો નહીં, કારણ કે તેઓને તેમના પોતાના વિચારો છે.તમે તેમના દેહને ધારણ કરી શકો છો, પરંતુ આત્માને નહીં. તેમનો આત્મા તો આવતી કાલના દેહમાં વસે છે, જેની તમે ક્યારેય મુલાકાત લઈ શકવાના નથી, સ્વપ્નમાં પણ નહીં.તમે એમના જેવા થવા પ્રયત્ન કરી શકો, પરંતુ તેમને તમારા જેવા બનાવવાની ક્યારેય ઇચ્છા ન રાખશો, કારણ કે જીવન ક્યારેય ઊલટું ચાલતું નથી કે ગઈકાલ માટે થોભી જતું નથી.
  • પરિવર્તન અ સંસારનો નિયમ છે, પણ આપણું કમનસીબ છે કે આ સત્ય બહુ મોડું સમજાય છે.
કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ

0 comments:

Post a Comment