તારી દોસ્તીનો એક સહારો હતો,
મને વરસો વરસનો તારો સાથ હતો.
મારી સાથે હંમેશા ચાલતો હતો,
માનતો હું કે તું મારો પડછાયો હતો.
લાંબો થઇ મને પડકારતો ને,
બપોરે મારામાં તું જ સમાતો હતો.
દિવસ ભરનો તારો મારો સાથ,
રાતે તું ક્યાં ગાયબ થઈ જતો હતો?
રાત ભર આવે તારી યાદ ને,
સવારે તને જોઈ ને ખુશ થતો હતો.
ન કહ્યું કદી મેં 'હું ચાહું છું તને',
આ નાની ભૂલથી મારાથી ખફા હતો?
તું કહેતો કે સદીઓનો છે સાથ,
તને હવે કેમ મારો ભાર લાગ્યો હતો?
કેમ કહું કે તારો છે કાંઈ વાંક,
તું તો બીજા કોઈકનો પડછાયો હતો.
અમે તો અમસ્તા જ મિલાવી હતી નજરથી નજર,
ક્યાં ખબર હતી કોઈ નયનથી દીલના રસ્તે ઊતરી જશે.
લઈને આવી વસંત ખુશીની એક લહેર ચમનમાં,
ક્યાં ખબર હતી બગીચાને વસંત જશે, પાનખર આવી જશે.
તમે મંજીલ હતાને અમે મંજીલ પહોચવામાં હતા,
ક્યાં ખબર હતી કે મારા પગ છેલ્લી ઘડીએ મને છળી જશે.
હતું એક નાનું સપનું કે આપણું પણ એક ઘર હશે,
ક્યાં ખબર હતી કે સમયની સાથે બધું જ અતીત થઈ જશે.
આવ્યા હતા તમે તો અમસ્તા મારી કબર પર,
ક્યાં ખબર હતી તમને આ પાગલ ધડકન ફરી શરું થઈ જશે.
આવ્યું છે વેરાન રણમાં આજ ગુંલાબ, થયો છે અજબ જુંઓ એક ચમત્કાર.
રણ નાચે છે થઈ ને આજ ભાલવિભોર, ને નાચે રણની સંધ્યા પણ આજ.
રેતમાં પડી તેના પગલાંની છાપ, હવા પણ ચાલે મંદ મંદ પગલાંને કાજ.
રણમાં ખિલી છે જુઓ આજ બહાર, મહેકે છે આજ રેત પણ કેમ ખુશ્બૂદાર.
ચાલે છે આજ ઊંટ પણ હરણની ચાલ, થઈ ગયું છે શબનમ પણ શરાબ.
થયો છે રણમાં પણ કેમ ખલબલાટ, ધડકે જુઓ રણનું દિલ પણ ધમધમાટ.
ફેલાઈ છે રણમાં તેના આવવાની વાત, થઈ ગઈ છે હલચલ કાંઈ બેશુંમાર.
હું તો દોડું છું મળવાને ગુંલાબ, કહો આ પાગલ મૃગજળ ભાગે છે કોના કાજ.
વાદળ ભાગે ગરમ હવા પર સવાર, જરૂર હશે ગુલાબમાં કાંઇક ખાસ વાત.
ઉઘડી ગયાં રણના નસીબ આજ, રહેશે રણને આ ગુલાબ સદા ને માટે યાદ.
ચાલી જશે ગુલાબ તો કાલે તેના ધામ, થશે રણમાં વાતો સદીઓ સુંધી આમ.
ન હતી કોઇ આવારગી ને ન હતી કોઇ દીવાનગી, મને તેમની નજરનો નસો કરવાની જરૂરત શું હતી.
ચાલતા ચાલતા રાહ માં ચાર કદમ સાથે, મારે કોઇના દીલમાં ડોકીયું કરવાની જરૂરત શું હતી.
ખુશ્બૂ નો સાથ તો કાયમ હતો, ખબર નથી આ ફૂલો ને કંટકની દોસ્તી કરવાની જરૂરત શું હતી.
તરસ તો ન હતી ને તઙપ પણ ન હતી, પછી આ મૃગજળની પાછળ ભાગવાની જરૂરત શું હતી.
ખબર હતી કે સપનુ છો તમે તો, મારે આ સુંદર સપનુ નયનમાં વસાવવાની જરૂરત શું હતી.
પૂનમની ચાંદની તો હતી પછી મારે, સંધ્યાના સમયે આગીયો બની ને ચમકવાની જરૂરત શું હતી.
સુઈ ગયુ છે સારુ શહેર ને કદાચ તે પણ, મારે ચાંદ તારા ની સાથે જાગવાની જરૂરત શું હતી.
ખબર છે નહી આવે તે હવે,મારે વારંવાર બારણું ખોલી ને જોયા કરવાની જરૂરત શું હતી.
મારા ઘરના ખાલી કમરામાં બેસીને, મારે આંશુ થી મારા ઘરને ધોવાની જરૂરત શું હતી.
શ્વાસે શ્વાસે તેમને યાદ કરીને, રૂઝાયેલા ઘાવને મારે ખોતરતા રહેવાનીજરૂરત શું હતી.
શાંભળીને મારા દીલના દદૃની વાત, આવે તે મનાવવા, તેમ દીલને સમજાવાની જરૂરત શું હતી.
આવ્યા હતા તે મારી કબર પર બસ આમ જ, આ પાગલ દીલે ધઙકી જવાની જરૂરત શું હતી.
નથી હું શાહજહાં કે બનાવું તાજમહેલ આરસમાં, ચાલને બનાવીએ આપણું એક નાનું ઘર દરિયાની રેતમાં.
નથી હું ચાંદ કે ચમકી શકું હું ખુંલ્લા ગગનમાં, જો તું કહે તો બનીને આગિયો હું ચમકું સંધ્યાના સમયમાં.
કબુલ કે ભૂલ છે અમારી ન હતા કરતા બંધ નયનને, આવવું તો હતું તમારે સપનું બનીને મારા નયનમાં.
ખબર છે અમને કે નથી અમે આખરી મંજીલ તમારી, બસ ચાર કદમ ચાલ તું બનીને હમસફર રસ્તામાં.
નહી કરું કદી ફરિયાદ દોડાવ મને બનીને મૃગજળ તું, ના તોડ મારો ખૂબસુરત ભરમ હવે આ જીવનમાં.
હશે કદાચ ભટકી જવું તે અમારી કિસ્મતમાં, કરી તો હતી કોશીશ અમે અટવાવાની તમારા નયનમાં.
કહું છું કે નથી આવતી પાનખર અમરપટ્ટો લઈને, કર ભરોસો કે બનીને વસંત આવીશ તારા જીવનમાં.
ના જોડી શક્યો મારા નામને તમારા નામ સાથે, બનાવ્યો તો હતો એક રસ્તો અમારા દીલથી તમારા દીલમાં.
ઊતર તું હવે આ ઊચાં જીદના પહાડો પરથી, ભૂલીને આપણી તે ભૂલો, કરીએ નવી શરૂઆત હવે જીવનમાં.
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ચર્ય વચ્ચે એમનાં આંગણમાં જઈ ચડ્યો.
પૂછો નહીં આજ તો ક્યાં નીકળી ગયો?
કાજળ સ્પર્શવા જતાં કામણમાં જઈ ચડ્યો.
અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો.
કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.
‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો.
“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું;
ફરક તારા ને મારા વિષે છે એટલો જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.”
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.
ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.
જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.
કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.
કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.
મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.
નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.
અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.
પરાયા પસીનાનો પૈસો છે ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.
આભ નહીં સાંભળી શકશે
કારણ કે એ ભોળું છે
વરસાદ છે કે તોફાન કરતા
છોકરાઓનું ટોળું છે?
શાંત સરોવર ઉપર લખાતું
છાંટાનું જોડકણું છે
છબાક છબ છબ કરતું કેવું
ખાબોચિયું બોલકણું છે!
નેવાંથી પડતાં ટીપાંનું
નાનકડું ગીત ગાવું છે,
પાણીની સીડીથી મારે
મેઘધનુષ પર જાવું છે!
આવે વખતે ચોપડીઓમાં
યાં મોં ઘાલી રહેવું છે,
એકબીજાને મળી અને
'વરસાદ મુબારક' કહેવું છે!
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.
નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.
સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.
નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?
અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું
વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું
લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન
જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું
સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું
હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું
કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી ખાલી
પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું
-અમૃત ‘ઘાયલ’
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.
હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.
જીવન બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.
નથી રહેતી પ્રણય વાતો કદી છાની રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.
મુસીબતનાં દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોના મહીં જોવાઈ જાયે છે.
જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ‘ઘાયલ’,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.